top of page
  • Writer's pictureGajera Global School

શિક્ષણ અને જીવનઘડતર


શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે, એ નિઃસંદેહ છે, પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખશાંતિ અને સફળતા માટે ચારિત્ર્ય એ પાયાનું પરિબળ છે. ખરેખર તો શિક્ષણનો અને માનવજીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણ છે. અણઘડ પત્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમા પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે, પરંતુ આજના યુગના શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે કે તે માત્ર અને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે, જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી અને એટલે બાળકનાં જીવનઘડતરનો પ્રશ્ન માતા માટે વધુ ને વધુ વિકરાળ બનતો જાય છે. આ જ પ્રશ્ન એક માતાએ મને આ રીતે વ્યક્ત કર્યો હતો : ‘અમે પતિ-પત્ની બંને અમારા બાળકોને રોજ સાંજે ત્રીસ મિનિટ અમારી સાથે બેસાડીએ છીએ અને જીવનલક્ષી વિકાસ વિશે અમારા બાળકને વાતો કહીએ છીએ, છતાં જ્યારે અમે વાતો કરતાં હોઈએ છીએ ત્યારે એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળે છે અને સમજે પણ છે, પરંતુ પછી ગમે ત્યારે મારી સાથે તે ગમે તેમ વર્તે છે, કહ્યું માનતો નથી, બૂમ બરાડા પાડે છે અને પોતાને જે કરવું હોય તે જ કરે છે.’


આવી જ મુશ્કેલીઓ લગભગ ઘણીબધી માતાઓ અનુભવે છે. પોતાના બાળકો પોતાના કહ્યા મુજબ ચાલતા નથી હોતા તેનું એક કારણ માતા-પિતાની પોતાની પરિપક્વતાનો અભાવ પણ હોઈ શકે. જ્યાં સુધી આપણે પોતે જ આપણા ચારિત્ર્યને ઉન્નત ન બનાવી શકીએ ત્યાં સુધી આપણે આપણા બાળકોને ચારિત્ર્ય કે એવું કશું આપી શકીએ નહિ. મારા અગાઉના પુસ્તકોમાં મેં લખેલું, બાળકને ઉપદેશોથી, શિખામણોથી કે સુચનાઓથી કશું શીખવી શકાય નહિ, એ માત્રને માત્ર જે કંઈપણ શીખે તે આપણા ચારિત્ર્યથી શીખે છે. મને યાદ છે એક દિવસ અમારી સામે રહેતા એક બહેન પોતાના બાળકને શાળાએ લઈ જતા હોય ત્યારે એ બાળક હંમેશા જોર-જોરથી રડે. એવામાં એક દિવસ એ ખૂબ ધમપછાડા કરવા માંડ્યો અને પોતાની માતાના કાબૂ બહાર જઈ રસ્તા પર આળોટવા માંડ્યું ત્યારે માતાને ખૂબ શરમ આવી, તેથી માતાએ બાળકને કહ્યું : ‘ચાલ, આજે ચોપાટી જઈએ, શાળાએ નથી જવું.’ ત્યારે બાળક જલદીથી ઊભું થયું અને આનંદથી ચોપાટી જવા માટે તરવરવા લાગ્યું. મમ્મી ચોપાટી જવાનું કહી બાળકને ચૂપ તો કરી શક્યાં અને બાળકને લઈ પણ ગયાં, પરંતુ જ્યારે શાળા આવી ત્યારે ચોપાટીને બદલે મમ્મી બાળકને ઘસડીને શાળામાં મૂકી આવ્યાં. આ પરથી મને લાગ્યું કે જો માતા બાળકને ચોપાટી જવાનું કહી શાળા મૂકી આવતી હોય તો બાળક માતાને શાળાનું કહી ચોપાટી ન જાય ?!

ખરા અર્થમાં કહું તો આ આપણું ચારિત્ર્ય છે અને પછી આપણે આપણા બાળકોને મહાપુરુષો બનાવવા ઈચ્છતા હોઈએ છીએ. પણ શું એ શક્ય છે ખરું ? ઉમદા ચારિત્ર્ય અને પરિપક્વતા પ્રથમ માતાએ કેળવવા આવશ્યક છે, પછી એ આપણે આપણા બાળકોને શીખવવું નહિ પડે, આપોઆપ વારસો બાળકમાં આવી જશે. તો આ ચારિત્ર્યનિર્માણ જ બાળકના જીવનઘડતરનો મુખ્ય પાયો છે, આધારશિલા છે. આ આધારશિલા તૈયાર થયા પછી બાળકને જીવનનું વિજ્ઞાન શીખવવું એ માતાની મુખ્ય જવાબદારી બની રહે છે. પરિવાર, સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનાં મૂલ્યોનું બાળકમાં ઘડતર કરવું અતિ આવશ્યક છે. બાળક વિશ્વમાનવ બની ને જીવે છતાં પણ તેના જીવનમાં મૂળ તો પોતાના સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર સાથે સતત સંકળાયેલાં રહેવાં જોઈએ, ઉપરાંત આજનું શિક્ષણ બાળકને જીવન જીવવાની અને પોતાના જીવનનો હેતુ પાર પાડવાની ક્ષમતા નથી આપી શકતું. એ ક્ષમતા આપવાની જવાબદારી હવે માતાની છે.


એક જાણીતી ઘટના છે, ભારતના રાષ્ટ્રપતિસ્થાને રહી ચૂકેલા અને મહાન વૈજ્ઞાનિક તથા ઉત્તમ ભારતના ઘડવૈયા એવા ડૉ. અબ્દુલ કલામને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા શ્રેષ્ઠતમ જીવન-ઘડતર માટે તમે કોને જવાબદાર ગણો છો ? ત્યારે ડૉ. કલામે જવાબ આપ્યો ‘મારી માતાને’ પ્રશ્નકર્તાએ આશ્ચર્યથી પૂછ્યું કે તમારી માતા અભણ હતાં તો પછી તમારા જીવન ઘડતરમાં તે કેવી રીતે ભાગ ભજવી શકે ? ત્યારે ડૉ. અબ્દુલ કલામે જવાબ આપ્યો, ‘મારી માતા અભણ હતા એ વાત સાચી, પણ જીવનનું ખરું નીતિ મૂલ્યોનું શિક્ષણ મને તેની પાસેથી મળ્યું છે. જીવનનું ખરું વિજ્ઞાન એ હું તેની પાસેથી શીખ્યો છું. તેમણે મને ગણિતના કે વિજ્ઞાનના સિદ્ધાંતો નથી શીખવ્યા, કારણ કે તેઓ નિરક્ષર હતાં, અભણ હતાં પણ જીવન-વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવામાં તેઓ સફળ રહ્યાં છે. તેમણે મને હંમેશા શીખવ્યું છે કે, બેટા ! મુશ્કેલીઓથી ન ડરતો, હિંમતથી કામ કરજે, નિઃસ્વાર્થ કર્મ કરજે, પુરુષાર્થથી કદી થાકીશ નહીં, નિષ્ફળતાથી કદી ન ડરીશ, ખંતથી મહેનત કરજે અને હંમેશા પ્રામાણિક રહેજે. જીવનના આ સિદ્ધાંતો એ મને સફળતાનાં શિખરો પાર કરાવ્યાં છે.’

ખરા અર્થમાં આ બે બાબતો બાળકને જીવનનું વિજ્ઞાન સમજવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને એ થકી બાળકનાં જીવનઘડતરમાં નોંધપાત્ર ફાળો આપે છે. બાળકના જીવનઘડતરના આ યજ્ઞકાર્યમાં સૌ પ્રથમ માતા અને પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને પછી વિશ્વ જ્યારે સક્રિય હોય ત્યારે જ બાળકને આ શિક્ષણ અપાવી શકાય. બાળકમાં આવું જીવનઘડતર ઉપયોગી શિક્ષણ માત્ર શાળાકીય શિક્ષણ દ્વારા થઈ શકે તેમ નથી તેથી માતાએ બાળકને આ શિક્ષણ આપવા માટેનું સૌ પ્રથમ માધ્યમ બનવાનું છે. જાગૃત માતા જ પોતાના બાળક સાથેના સહવાસથી તેનામાં જીવન માટેનો સાચો અભિગમ કેળવી શકે છે. પોતાના કૌટુંબિક, સામાજિક મૂલ્યો, પોતાના વારસાનું ગૌરવ, વિવેક, વિનમ્રતા અને શ્રદ્ધા જેવા સદગુણો ખરેખર તો પોતાના ચારિત્ર્યમાંથી જ ઉપજાવી બાળકમાં તે રોપી શકાય છે. બાળકના જીવનઘડતરમાં ઉપયોગી એવાં મુખ્ય બે પરિબળો (ઉમદા ચારિત્ર્યનિર્માણ તથા શ્રેષ્ઠતમ નીતિમૂલ્યોનું શિક્ષણ) પછી પણ ઘણી એવી ઉપયોગી બાબતો છે જે બાળકના જીવનઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે માતાએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે.

નિયમિત રીતે બાળક સાથે સમય પસાર કરી, વાતચીત તથા તેના મનોભાવો જાણી બાળકમાં ઘડાતાં વિચારો, માન્યતાઓ અને ગ્રંથિઓથી પરિચિત રહી જરૂર પડ્યે યોગ્ય માર્ગદર્શનથી તેને ખોટાં વિચારો અને માન્યતાઓથી બચાવી શકાય છે, કારણ કે બાળકમાં શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણના પાયામાં તેનાં વિચારો તથા માન્યતાઓ મુખ્ય હોય છે, જે તેના આખાયે જીવનનો આધાર છે. કહેવાય છે ને કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. જે વિચારો અને માન્યતાઓ બાલ્યકાળમાં રોપાય છે તે જ વિચારો અને માન્યતાઓના પાયા પર તેનું આખુંયે જીવન ઘડાય છે અને તે પ્રમાણે જ માણસ જીવન જીવવા કટિબદ્ધ થાય છે, કારણ કે કોઈપણ કાર્યના મૂળમાં વિચાર રહેલો છે. માણસનું કોઈપણ કાર્ય બે વખત આકાર લે છે, પ્રથમ તેના મનમાં અને પછી બાહ્ય કાર્ય સ્વરૂપે, તેથી સ્વસ્થ અથવા મજબૂત માનસિકતામાંથી એ વિચાર ઉદ્દભવ્યો નહીં હોય તો તેણે કરેલું કાર્ય પૂર્ણરૂપે ખીલી ઊઠશે નહીં, તેથી સૌ પ્રથમ માતાની જવાબદારી બને છે કે બાળકનાં વિચારો, માન્યતાઓ તથા ગ્રંથિઓને ધ્યાનમાં લઈ તેને સ્વસ્થ માનસ ઘડવામાં મદદરૂપ થવું જોઈએ.


બાળકના જીવનઘડતરમાં ઉપયોગી તેવી બીજી બાબત તેનામાં ઉત્તમ સર્જનશક્તિનું નિર્માણ કરવું તે છે. આ વિશ્વમાં ઘણી બધી બુદ્ધિપ્રતિભાઓ થઈ ગઈ, તે દરેકે કંઈક સર્જન કર્યું છે અને આ વિશ્વને પોતાના મહાન સર્જનથી શણગાર્યું છે. દરેક બાળકમાં પણ આ સર્જનતાના કોઈક ને કોઈક અંશો રહેલા જ છે. દરેક બાળકમાં આવી કંઈક ને કંઈક આગવી વિશિષ્ટતાઓ રહેલી છે. માતા બાળકની ખૂબ જ નજીક હોય છે તેથી ખૂબ કાળજીપૂર્વક તથા ધ્યાનપૂર્વક જોવામાં આવે તો માતા પોતાના બાળકમાં રહેલી આ વિશેષતાને ઓળખી તેને બહાર લાવવામાં કે ખિલવવામાં મદદરૂપ થઈ શકે છે. જેમ કવિ કોઈ સારી કવિતા લખે ત્યારે, લેખક કોઈ સારું પુસ્તક લખે ત્યારે, વૈજ્ઞાનિક કોઈ નવી શોધ કરે ત્યારે અથવા તો કોઈપણ સર્જક પોતાનું મહાન સર્જન આ વિશ્વને આપે ત્યારે આપણને અનહદ આનંદ થાય છે, તેવી જ રીતે એક માતાનું બાળક કંઈક વિશિષ્ટતા ધરાવતું હશે તો માતાને ખૂબ આનંદ થશે. તેથી, દરેક માતાને પોતાના બાળકની આ સર્જનાત્મકતાને યોગ્યતમ રીતે ઓળખી અને તેને ખીલવવામાં મદદરૂપ થવું જોઈએ અને આ શક્તિને વિકસાવવા માટે તેને પૂરતું પ્રોત્સાહન, તક અને તાલીમ મળતા રહે તે ખૂબ જ જરૂરી છે. બાળકનાં ઉછેર કે કેળવણી ખામી ભરેલાં હોય તો તેની સર્જનશક્તિ મૂરઝાઈ જાય છે, મંદ પડી જાય છે, તેથી આ બાબતે ખાસ ધ્યાન આપવું જરૂરી બની જાય છે.


-By Mrs. Uma Raval

Sanskrit & Gujarati Educator


68 views0 comments

Recent Posts

See All
Post: Blog2 Post
bottom of page